Sunday, November 25, 2007

તમે યાદ આવ્યાં

જીવી શકું હું કઈ રઈ રીતે તમને સ્મર્યા વગર,પાંપણ કદી ય રહી શકે મટકું ભર્યા વગર?
મંઝીલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.
દિલનાં દર્દોને પીનારો શું જાણે,પ્રેમ ના રિવાજોને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં,તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
----------------------------------------------------------------
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં

No comments: