Thursday, December 13, 2007

kavita

છેલ્લા શ્વાસ સુધી માનવી આશ રાખે છે,
દવામાં ને દુવામાં વિશ્વાસ રાખે છે.
ઉઘાડી આંખોના સંબંધ છે મિત્રો,
અહિંયા જરૂરતથી વધારે લાશને પણ કોણ રાખે છે ???
----------------$$-------------------------
થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
----------------$$-------------------------

Gujarati kavita

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ.

આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ?

છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?

શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું ?
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?

આનંદના ઉઘડ્યા દરવાજા ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું

Gujarati kavita

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?

Gujarati kavita

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

-મુકુલ ચોકસી.